રાજસ્થાનમાં બસ અકસ્માતનો ભોગ બનેલાની દિહોરમાં એકસાથે ૧૧ અર્થી ઉઠતાં શોકનું મોજું
ભાવનગર : રાજસ્થાન નેશનલ હાઇ-વે પર બુધવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી યાત્રા પ્રવાસે નીકળેલ બસના ૧૧ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે તેઓને વતન લાવવામાં આવ્યા ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયાં હતા.
અકસ્માતમાં જીવ ગુમાવનારના મૃતદેહોને ગુરૂવારે બપોરે બારેક વાગ્યાના સુમારે એમ્બ્યુલન્સ મારફત દિહોર લવાયા ત્યારે ભારે ગમગીની વચ્ચે કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં અને મૃતકોના પરિવાર સહિત આખું ગામ હિબકે ચડ્યું હતું અને કોણ કોને છાનું રાખે તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. દરમિયાન ગ્રામજનોએ તમામ મૃતકોને સામુહિક રીતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દુખદ પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર તેમજ અધિક કલેક્ટર, મામલતદાર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદ એક જ ગામમાંથી એકસાથે તમામ મૃતકોની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં આખું દિહોર ગામ અને આજુબાજુના ગામના હજારો લોકો પણ જોડાયા હતા.