જનતાની પરેશાની વચ્ચે ખેડૂતોમાં આનંદની લહેર, મોટાભાગને ડેમ છલકાયા
પોરબંદરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે પુષ્કળ પાણીના પ્રવાહની આવક થતાં અડવાણા, સોરઠિ, અમીપુર, કાલિન્દ્રી, ફોદાળા સહિતના ડેમો ૧૦૦% ભરાયા છે. જિલ્લામાં આ સિઝનનો પહેલો વરસાદ જ વિપુલ પ્રમાણમાં પડ્યો છે. ખેડૂતો સહિત જિલ્લાની પાણીની જરૂરિયાતો સંતોષાતા સૌ કોઈ માટે આનંદનો વિષય છે, પરંતુ તંત્રની અવ્યવસ્થાને લીધે હાલમાં લોકો બેહાલ થયા છે.
પોરબંદર પંથકમાં ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના કારણે વરસાદી પાણીની આવક થઈ રહી છે. પોરબંદર પંથકમાં આવેલ અમીપુર, કાલિન્દ્રી, ખંભાળા, ખોદાળા, સારણ, રાણા ખીરસરા, મેઢાક્રીક, બરડાસાગર અને ભાદર ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે. અડવાણા, સોરઠિ, અમીપુર, કાલિન્દ્રી, ફોદાળા સહિતના ડેમો ૧૦૦% ભરાયા છે. દરેક ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. પોરબંદર પંથકના ડેમોમાં આવક થયેલ નવા નીરની વાત કરવામાં આવે તો અમીપુર ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૧૦૫૯.૪૫ એમ.સી.એફ.ટી છે, જેમાં ૭૩૭.૯૭ એમ.સી.એફ.ટી નવા નીરની આવક થઈ છે. અને કુલ ૭૩.૫૦ % ડેમ ભરાયો છે. તેવીજ રીતે કાલિન્દ્રી ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૨૫૫.૨૬ એમ.સી.એફ.ટી છે, જેમાં ૨૨૯.૫૮ એમ.સી.એફ.ટી નવા નીરની આવક થઈ છે. અને કુલ ૧૦૦ % ડેમ ભરાયો છે. ખંભાળા ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૫૪૩ એમ.સી.એફ.ટી માંથી ૪૧૦.૯૩ એમ.સી.એફ.ટી નવા નીરની આવક અને કુલ ૭૫.૮૬ % ડેમ ભરાયો, ફોદાળા ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૮૩૫ એમ.સી.એફ.ટી માંથી ૭૮૬.૨૨ એમ.સી.એફ.ટી નવા નીરની આવક અને કુલ ૧૦૦ % ડેમ ભરાયો, સારણ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૫૯.૮૨ એમ.સી.એફ.ટી માંથી ૪૫.૪૧ એમ.સી.એફ.ટી નવા નીરની આવક અને કુલ ૮૦.૦૪ % ડેમ ભરાયો છે. અડવાણા ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૯૨.૨૮ એમ.સી.એફ.ટી છે, અને ૭૮.૧૫ એમ.સી.એફ.ટી પાણીની આવક થઇ છે. આ ડેમ ૧૦૦ % ભરાયો છે. સોરઠી ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૨૯૮.૭૨ એમ.સી.એફ.ટી છે. અને હાલ આ ડેમ ૨૪૭.૪૦ એમ.સી.એફ.ટી. નવા નીરની આવક થઇ છે. હાલ આ ડેમ ૧૦૦% ભરાયો છે. મેઢાક્રીક ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૧૭૩૦ એમ.સી.એફ.ટી જે ૧૦૦% ભરાયો છે. તેમજ બરડા સાગર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૧૨૯૪.૮૦ એમ.સી.એફ.ટી છે, તે પણ ૧૦૦ % ડેમ ભરાયો છે. આમ પોરબંદર જિલ્લામાં તમામ ડેમોમાં નવા નિરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.