VIBRANT GUJARAT: સમિટમાં ઉડતી કારનું અનોખું મોડલ કરાયું પ્રદર્શિત..
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દસમા સંસ્કરણનું આવતીકાલે ઉદ્ઘાટન છે. જો કે ઉદ્ઘાટન પહેલા ઓટોમોબાઇલ, ટેકનોલોજીને લગતા અનેક મોડલ શોકેસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જાપાનની કંપની સ્કાય ડ્રાઇવએ ફ્લાઇંગ કારના એક મોડલને શોકેસ કર્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ ભારતમાં ફ્લાઇંગ કાર સર્વિસ લોન્ચ થાય તેવી શક્યતાઓ છે.
એક સમાચાર એજન્સી સાથે કરેલી વાતચીત મુજબ, સ્કાય ડ્રાઇવના CEO તોમોહિરો ફુકુઝાવાએ કહ્યું હતું કે, “અમે ભારતમાં ફ્લાઇંગ કાર- eVTOL સેવા રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ..તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર આધારિત છે. શહેરી વિસ્તારમાં એરપોર્ટ બનાવવું મુશ્કેલ છે પરંતુ ફ્લાઇંગ કાર બિલ્ડિંગની છત પરથી ઉડાન ભરી શકે છે અને ઉતરી શકે છે. રોજિંદા જીવનમાં એર ટેક્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. જાપાનમાં અમારી પાસે સુઝુકીનો પ્લાન્ટ છે અને બજારમાં મોકળાશ મળે તો અમે અન્ય પ્લાન્ટ પણ નાખવા માંગીએ છીએ.”
eVTOL એટલે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ. આ એક પ્રકારનું એરક્રાફ્ટ હશે, જે રોટર્સનો ઉપયોગ કરીને ઊંચાઈએ ટેક ઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એરક્રાફ્ટમાં 3 લોકો બેસી શકે તેવી ક્ષમતા હશે. એક પાયલટ અને 2 મુસાફરો. એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવેલું આ એક ખૂબ જ હળવા વજનનું એક ક્રાફ્ટ હશે જે 100 કિમીની ઝડપે ઉડી શકશે, અને 15 કિમી સુધીની મુસાફરી કરી શકશે. આ કાર એક પ્રકારે એક ટેક્સીનું કામ કરશે.
જો ખરેખર આ પ્રકારનું મોડલ ભારતમાં સ્વીકૃત બને તો તે એક ક્રાંતિ સમાન હશે, રોજિંદી દિનચર્યામાં ભારે ટ્રાફિકનો સામનો કરતા લોકો, ટ્રેન-બસમાં મુસાફરી કરતા લોકો માટે તે એક આશીર્વાદ જેવું બની રહેશે.