વીરપુરનો ‘ડિજિટલ’ તસ્કર: ગેસ્ટહાઉસમાંથી ફોન ચોર્યો, ફોન પર કરવા રૂ. 300 Google Pay કરાવ્યા…

રાજકોટઃ રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં એક અનોખી મોબાઇલ ચોરીની ઘટના સામે આવી હતી. વીરપુરના એક ગેસ્ટ હાઉસમાંથી મોબાઇલની ચોરી થઈ હતી, જેમાં ચોર માત્ર મોબાઇલ ચોરીને જ નહોતો અટક્યો, પરંતુ ચોરેલા ફોનમાંથી તેના માલિકને ફોન કરીને પૈસાની પણ માંગણી કરી હતી.
ઘટનાની વિગત એવી છે કે, વીરપુરના એક ગેસ્ટ હાઉસનો કર્મચારી સૂતો હતો ત્યારે તેના મોબાઇલની ચોરી થઈ હતી. કર્મચારી બાથરૂમ જઈને પાછો સૂતો, તે જ ગાળામાં એક તસ્કરે કળા કરી મોબાઇલ ચોરી લીધો હતો. મોબાઇલ ચોરીની આ સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરે મોબાઈલ ચોર્યા બાદ તેમાંથી જ માલિકના સગા-સંબંધીઓને ફોન કર્યા હતા. તસ્કરે ફોન પરત આપવાની લાલચ આપી અને બદલામાં પૈસાની માંગણી કરી હતી.
ગેસ્ટ હાઉસના કર્મચારીએ ચોરને પકડવાની અથવા મોબાઈલ પરત મેળવવાની આશાએ ચોરના કહ્યા પ્રમાણે 300 રૂપિયા ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર પણ કર્યા હતા. જોકે, પૈસા મળ્યા બાદ પણ તસ્કરે મોબાઈલ પરત આપ્યો ન હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોબાઇલ ચોરી કરનારે મોબાઇલ માલિક સાથે કરેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો હતો.આ ઘટનાને પગલે વીરપુર પોલીસ અને LCB દ્વારા CCTV ફૂટેજના આધારે ચોરને પકડવા માટે તપાસ હાથ ધરી હતી.



