નવરાત્રીના સ્થળે ખેલૈયાઓની તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની ટીમ તહેનાત કરાશે: આરોગ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આગામી ૧૫ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તે પૂર્વે કેટલાક શહેરોમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ યુવાનોને હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થયા છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરબાના સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ની ટીમ તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પ્રયત્નોથી કટોકટીના સમયે હૉસ્પિટલમાં જાય તે પહેલા પ્રાથમિક સારવાર મળે અને જીવન બચાવી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા હૉસ્પિટલોને તેની જાણ કરવામાં આવી છે.
રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, કોરોનાના કપરા કાળ પછી નવરાત્રીની ઉજવણીનું વ્યાપક આયોજન થયું છે. તાજેતરમાં કેટલાક યુવાનોને હૃદયરોગનો હુમલો આવવાથી મૃત્યુ પામવાના બનાવો પણ રાજ્યના વિવિધ સ્થળે બન્યા છે તેથી સાવચેતીના ભાગરૂપે તેમને તુરંત જ સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરોને રાસ ગરબાના આયોજનના સ્થળે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.
રાજયના મોટા શહેરોમાં અનેક સ્થળો એવા છે કે જેમાં ખેલૈયાઓની જંગી મેદની ઉમટી પડતી હોય છે. મોટી સંખ્યામાં લોકો ગરબાના સ્થળો અને ધાર્મિક સ્થળો પર એકત્રિત થતા હોય છે તે દરમિયાન નાગરિકોને આરોગ્યને લગતી મુશ્કેલી સર્જાય તો ૧૦૮ની ટીમ ત્વરિત મદદ માટે પહોંચે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગે તંત્રને આ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.