હાર્ટ એટેકના કિસ્સા વધતા રાજકોટ સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો
નવરાત્રીમાં પણ તબીબો રહેશે તૈનાત
રાજ્યમાં આજકાલ હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં એક જ દિવસમાં 6 લોકો હાર્ટ એટેકથી મોતને ભેટયા હોવાની ઘટના બની છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે તકેદારીના ભાગરૂપે એક અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. જેમાં નવરાત્રી દરમિયાન પણ ડોક્ટરોની ટીમ ખડેપગે તૈનાત રહેશે.
જે રીતે યુવાનોમાં પણ નાની ઉંમરે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, ગરબા-ક્રિકેટની પ્રેકિટસ દરમિયાન અથવા જીમમાં કસરત દરમિયાન યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે તે ચિંતા જન્માવે છે. આવા કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ત્વરિત સારવાર મળે એ માટે પગલા લેવાયા છે. આ વોર્ડમાં કુલ 50 બેડ હશે. 20 મહિલા અને 20 પુરુષો માટે તેમજ 10 બેડ ગંભીર કેસ માટે અલગ રાખવામાં આવ્યા છે. દવાઓ, ઇન્જેક્શન સહિતની સુવિધાઓ પણ આ વોર્ડમાં તૈયાર રાખી દેવામાં આવી છે.
વોર્ડમાં 1 કાર્ડિયોલોજીસ્ટ, 4 મેડિસીન વિભાગના ડોક્ટર, 2 મનોચિકિત્સક અને 2 કાઉન્સિલર તૈનાત રહેશે. નવરાત્રી દરમિયાન રાત્રે 9 વાગ્યાથી લઇને 1 વાગ્યા સુધી સ્ટાફ હોસ્પિટલમાં હાજર રહેશે તેવું સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું.