ઉત્તરસંડા આઇટીઆઈમાં નિવૃત્ત આચાર્યઅને ક્લાર્કે ₹ ૫.૭૩ કરોડની ઉચાપાત કરી
અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી ઉત્તરસંડા આઈટીઆઇમાં તત્કાલીન આચાર્ય અને સિનિયર ક્લાર્ક દ્વારા સરકારે ફાળવેલી ૫.૭૩ કરોડની ગ્રાન્ટની ઉચાપાત કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ વડતાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઉત્તરસંડાની સંસ્થામાં અનિયમિતતા બદલ પુરાવા રજૂ કરી બન્ને નિવૃત્ત કર્મચારી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નિયામક દ્વારા હિસાબી અધિકારી વર્ગ-૧ને ૬ એપ્રિલ ૨૦૧૭ના રોજ શાખા નોંધ કરી ૧૫ મુદ્દામાંથી કેટલા ગ્રાહ્ય રહ્યા અને કેટલા બાકી છે. સરકારને કેટલું નાણાકીય નુકસાન થયું છે અને કેવા પ્રકારની અનિયમિતતા તથા કેટલા પ્રકારના નાણાકિય નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે તે માટે મોકલતા હિસાબી અધિકારી વર્ગ-૧ દ્વારા ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ શાખા નોંધથી ૯,૧૦,૧૧,૧૪ અને ૧૫માં મુદ્દામાં નાણાકીય અનિયમિતતા તેમજ ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગેની વિગતો મોકલી હતી. જેથી શ્રમ અને રોજગાર વિભાગ સચિવાલય ગાંધીનગરે ૧૩ માર્ચ ૨૦૧૮ના રોજ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગરને જીવરામ એ.ભાગચંદાણી નિવૃત્ત આચાર્ય દ્વારા કરવામાં આવેલી અનિયમિતતા બદલ શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવા માટે પત્ર લખ્યો હતો. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.