અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદીનો આપઘાત

અમદાવાદઃ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ શૌચાલયમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા રાણીપ પોલીસે અકસ્માતે મોતની નોધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં ખુલેલી વિગત મુજબ દહેગામ તાલુકાના મોટાના મુવાડા ગામના રહેવાસી મૃતક યુવકની હત્યા કેસમાં ધરપકડ કરાઈ હતી. પોલીસે મૃતક યુવકની આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારના સભ્યો તેમજ બેરેકમાં રહેલા સાથી કેદીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સર્કલ યાર્ડની બેરેક નં 9-01ના શૌચાલયમાં કાચા કામના કેદી મલાજી ભગાજી ઠાકોર (ઉં,વ.34)એ સિમેન્ટના આડા બીમ સાથે ટુવાલનો છેડો બાંધી બીજા છેડેથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ઘટનાની જાણ ફરજ પરના પોલીસ સ્ટાફે જેલના ઉચ્ચ અધિકારી અને ફરજ પરના ડૉકટરોને કરી હતી. ડૉક્ટરએ કેદી મલાજીને ચેક કરીને મૃત જાહેર કરતા રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે સ્થળ પર જઈ બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી મલાજી ઠાકોરે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મૃતક મલાજી ઠાકોરની હત્યા કેસમાં ધરપકડ કરી તેણે સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.