અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે પ્રી-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૫મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે એક્સપોર્ટ એક્સિલરેટ: વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭ માટે ભારતની ‘નિકાસ ક્રાંતિ’ ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમ જ શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમ જ એક્સપોર્ટ ઇકોસિસ્ટમની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.
આ કાર્યક્રમમાં એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ત્યારબાદ જુદી જુદી જાણીતી કંપનીઓના પદાધિકારીઓ પોતાના મંતવ્યો રજૂ કરશે.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટૅક્નોલૉજીસ ફોર સીમલેસ ઍન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે. આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમ જ ઇન્ટરનેશનલ કોઓપરેશન ઍન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ સહિતના બિઝનેસ નિષ્ણાતો અને કંપનીઓના વડાઓ જુદા જુદા વિષયો પર સંબોધન કરશે.