વિકસિત ભારતના વિઝનને નવો વેગ આપનારું બજેટ છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડા પ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. એટલું જ નહિ, સોલર રૂફટોપની નવી યોજનાથી ૧ કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતું જનહિતકારી બજેટ છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાંકીય ફાળવણી વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાનએ દર્શાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણાં પ્રધાને કરેલો નિર્ણય આવકારદાયક છે.