એકતાનગરમાં ઉમેરાશે નવું નજરાણુંઃ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે

એકતાનગરઃ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી) હવે વધુ એક આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનશે. આફ્રિકન રેઈન ફોરેસ્ટના રત્ન ગણાતા ત્રણ ચિમ્પાન્ઝીને આજે 22 જૂને ‘વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે’ ના અવસરે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.
આ ચિમ્પાન્ઝીને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફમાંથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા. તમામ કાયદેસરની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 7 એપ્રિલ 2025ના રોજ તેમને એકતાનગરમાં લાવવામાં આવ્યા. અહીં તેમને સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને કેરટેકર્સ સાથે સંબંધ કેળવવા માટે ખાસ સુવિધાયુક્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચિમ્પાન્ઝી કુદરતી રીતે આફ્રિકાના ગાઢ વરસાદી જંગલોમાં વસવાટ કરે છે. આથી, જંગલ સફારી દ્વારા તેમના માટે વિશાળ અને અત્યાધુનિક પિંજરું તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં તેમને આફ્રિકન રેઈન ફોરેસ્ટ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પિંજરાના નિર્માણમાં ચિમ્પાન્ઝીની જૈવિક, માનસિક અને સામાજિક જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રવાસીઓ આ ચિમ્પાન્ઝીને કાચમાંથી નિહાળી શકે તેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે પર ચિમ્પાન્ઝીને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય, વરસાદી જંગલોના સંરક્ષણ અને જૈવ વિવિધતાના મહત્વને રેખાંકિત કરે છે. આ ચિમ્પાન્ઝી એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં વધુ એક સોપાન ઉમેરશે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ પૂરો પાડશે.