આપણું ગુજરાત

વડોદરામાં સાવ નજીવી બાબતે સગીરની હત્યા, મિત્રએ જ ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક હદે કથળી રહી છે, નજીવી બાબતે લોકોની હત્યા થઈ જાય છે. સંસ્કારી નગરી વડોદરામાં સાવ ક્ષુલ્લક બાબતે હત્યાની ઘટના સામે આવી છે. મૃતક યુવાન તેના મિત્રને કોઈ ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે ચીડવતો હતો. આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓથી કંટાળીને સગીર છોકરાએ તેના મિત્રની હત્યા કરી નાખી હતી. આરોપી સગીર છોકરાએ આનો બદલો લેવા છરીના ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી હતી.

મળતી જાણકારી મુજબ, વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં એક સગીરે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રણજીત માળી નામના એક સગીર છોકરાએ દિશાંત રાજપૂત નામના મિત્રને દિવાળીપુરા વિસ્તાર બાજુ ફરવા જવા માટે બોલાવ્યો હતો. હુમલાખોર તેના મિત્રને પણ સાથે લઈ આવ્યો હતો. ચારેય જણ કોર્ટ સંકુલ પાસેની એક કોલોનીમાં ગયા હતા, ત્યાં આરોપીએ ચાકુ કાઢીને દિશાંત પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા .

આ પણ વાંચો: વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ

દિશાંત રાજપૂતની નિર્મમતાપૂર્વક હત્યા કર્યા બાદ બંને ભાગી ગયા હતા. બંને આરોપીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. તેઓ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે. હત્યા કરનાર બંને યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ દરમિયાન દિશાંત રાજપૂતનું મિત્ર વર્તુળ ઘણું મોટું હોવાનું બહાર આવ્યું હતું, તેમાં અનેક ગર્લ ફ્રેન્ડનો પણ સમાવેશ થાય છે. દિશાંત અને તેને મારનાર છોકરો સાથે ટ્યુશન જતા હતા, ત્યાં દિશાંત તેને ગર્લફ્રેન્ડ ન હોવાને કારણે ઘણી વખત ચીડવતો હતો.

આરોપી રણજીત માળી ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે દિશાંતની પજવણીને સહન કરી શકતો ન હતો. આનાથી નારાજ થઈને આરોપીએ તેના મિત્ર સાથે મળીને દિશાંતને પાઠ ભણાવવા માટે મારી નાખવાની યોજના બનાવી હતી. ત્યારબાદ દિશાંતને બોલાવીને તેની છાતીમાં ચાકુના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે બંને યુવકોને કસ્ટડીમાં લઈ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button