વલસાડના પારડીમાં સગીરે કરી મિત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

વલસાડઃ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક સગીરની તેના મિત્રની હત્યા કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાણકારી આપતાં જણાવ્યું, સગીરે તેના મિત્રનો ફોન તોડી નાંખ્યો હતો. જ્યારે મિત્રએ ફોન રિપેર કરવા માટે પૈસા માંગ્યા ત્યારે આરોપી તેના મિત્રને એક અવાવરું બિલ્ડિંગમાં લઈ ગયો અને તેની હત્યા કરી હતી.
પોલીસ અનુસાર, આરોપી તેના 16 વર્ષીય મિત્રને વલસાડ જિલ્લાના પારડીમાં એક અવાવરું બિલ્ડિંગમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મિત્રની હત્યા કર્યા બાદ મૃતદેહને એલિવેટર શાફ્ટ (લિફ્ટ લગાવવા છોડવામાં આવેલી ખાલી જગ્યા)માં નાંખી દીધો હતો. મૃતકના પિતાએ જણાવ્યું, તેમનો પુત્ર 27 નવેમ્બરે સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. આ દિવસે સાંજે તેનો મૃતદેહ પારડી આઈટીઆઈની પાછળ આવેલી એક ઈમારતના એલિવેટર શાફ્ટમાંથી મળ્યો હતો.
આ પણ વાંચો…ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર
સગીર આરોપીની ધરપકડ
પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા. જે બાદ મૃતકના સગીર મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીએ તેના મિત્રનો ફોન તોડી નાંખ્યો હતો. આ મિત્ર ફોન રિપેર કરાવવા પૈસા માંગતો હતો. જેથી તેણે મિત્રને પૈસા આપવાના બહાને ઈમારતમાં બોલાવ્યો અને તેના મિત્રના માથા પર ઈંટથી પ્રહાર કરીને હત્યા કરી હતી. જે બાદ મૃતદેહને એલિવેટર શાફ્ટમાં નાંખીને ઉપરથી ઈંટ અને લાકડાના ટુકડા નાંખીને ભાગી ગયો હતો. પોલીસે કહ્યું, સગીરે તેનો ગુનો કબૂલી લીધો છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.