Ahmedabad માં ઇસ્કોન પ્લેટેનિયમમાં મોડી રાત્રે ભીષણ આગ, એક મહિલાનું મોત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં શુક્રવારે મોડી રાત્રે બોપલમાં આવેલા 22 માળના ફ્લેટ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી. આ આગમાં ફ્લેટની બી-વિંગના આઠમા માળે આગ લાગી હતી. જેમાં આઠ લોકો ફસાયા હતા. જેમને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન 65 વર્ષની મહિલાનું મોત નીપજ્યું છે.
ફાયર બ્રિગેડે તમામનું રેસ્ક્યૂ કર્યું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બોપલમાં આવેલા ફ્લેટ ઇસ્કોન પ્લેટિનિયમના બી-વિંગમાં અચાનક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા ફોડવાથી આગ લાગી હતી. જેમાં ફ્લેટના 8માં માળે આગ લાગતા ઘણા લોકો ધાબા ઉપર પણ જતા રહ્યાં હતા તો ઘણા લોકો ઘરની અંદર રહ્યાં હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. મોડીરાત સુધી રેસ્કયુની કામગીરી કરવામાં આવી હતી.
Also Read – ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત
આગ છેક 17મા માળે પહોંચી
આ આગમાં ફ્લેટની ઈલેક્ટ્રીક ડકમાં આઠમાં માળે 1 અને 4 નંબરના મકાનની બાજુના ભાગમાં આગ પ્રસરી હતી. આ ઉપરાંત લિફ્ટ ડકમાંથી પણ આગ પ્રસરી હતી અને છેક 17માં માળ સુધી પહોંચી હતી. જેના લીધે 17માં માળે આવેલા મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થયું છે.