આપણું ગુજરાત

ભવનાથમાં મહાશિવરાત્રીના એક દિવસ અગાઉ ભક્તોની ભારે ભીડ ઊમટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો ગુરૂવારે ત્રીજો દિવસ છે. મેળામાં લાખો ભાવિકોનું કીડિયારું ઉભરાણું છે. ભવનાથ મહાદેવના દર્શન કરી લોકો ધન્ય બની રહ્યા છે.

સમગ્ર દેશભરમાંથી નાગા સાધુઓના દર્શન કરવા માટે શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી પડે છે. શિવરાત્રીના મેળાની દેશભરમાં માત્ર જૂનાગઢ ખાતે જ ઉજવણી થાય છે. આ ઉજવણીમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકોનો ઘોડાપૂર જૂનાગઢમાં ઊમટે છે. હાલ જૂનાગઢની તળેટી માનવ મહેરામણથી ઉભરાઈ ગઈ છે. ભવનાથ તળેટીમાં મેળો કરવા આવતા લોકો ભવનાથ મહાદેવ અને ભવનાથ મંદિરમાં આવેલ પવિત્ર મૃગીકુંડ કે જ્યાં શિવરાત્રીના દિવસે સંતોનું શાહી સ્નાન થવાનું છે તેનાં દર્શન કરી ત્યારબાદ ધૂણો લગાવી બેઠેલા સાધુઓના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળામાં અનેક આશ્રમો ઉતારા ઉપર ભજનના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે જેમાં ગુજરાત ભરના તમામ કલાકારો ભજન સંતવાણી લોકસાહિત્ય થકી પ્રજાને શિવમય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથોસાથ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શિવરાત્રીનો મેળો કરવા આવતા ભાવિકો માટે ખાસ ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તીદાન ગઢવી સહિતના નામાંકિત કલાકારોએ તળેટીમાં આવેલા ભક્તજનોને ભજન સંતવાણી પીરસી ભક્તિમય માહોલના દર્શન કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનાથ માટે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ પ્રકારનાં આયોજન કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ વર્ષે બે એસઆરપીની કંપની, ૧૫૦ પોલીસ અધિકારીઓ સહિત ૩,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ ૨૪ કલાક ખડેપગે પોતાની ફરજ બજાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button