અમદાવાદમાં કાફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું, પીસીબીની ટીમે મુદ્દામાલ કર્યો જપ્ત

ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય તે માટે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવતો કાયદો ઘડવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે દારૂબંધી અને હુક્કાબાર સામે કડક વલણ અપનાવતા 2016માં રાજ્યભરમાં ચાલતા હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. રાજ્યમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ પાડીને તમામ હુક્કાબારો બંધ કરાવ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ અનેક જગ્યાએ ખાનગી રાહે કે કાફેની આડમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. અમદાવાદમાં કાફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું છે.
પીસીબીને અમદાવાદના સરખેજ વિસ્તારમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર અંગે બાતમી મળી હતી, બાદમાં પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ચાલતું હુકકાબાર પકડ્યું હતું. પ્રતિબંધિત હુક્કાબારમાં કેફે માલિકો હર્બલ હુક્કાના નામે હુક્કાબાર ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી સરખેજ વિસ્તારના પ્રખ્યાત બીગ ડેડી કેફે બહારથી કોઈને શંકા ન જાય તે પ્રકારે બિગ ડેડી કેફે ચલાવવામાં આવતું હતું. પરંતુ હુક્કા બારના રસિકો માટે ખાસ આયોજન કેફેની અંદરના ભાગે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં રિંગ રોડ નજીક આવેલા બિગ ડેડી કાફેની આડમાં હુક્કાબાર ચાલતો હતો. મોહમ્મદપુરા રોડથી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર બિગ ડેડી કાફે આવેલું છે. કાફેની અંદર છેલ્લા કેટલાક દિવસથી આખી રાત યુવક-યુવતીઓ આવીને હુક્કા પિતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી, જેના આધારે પીસીબીની ટીમ ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યે રેડ કરીને પાંચ લોકોને હુક્કા પિતા ઝડપી લીધા હતા.
હાલ પોલીસે આ હુક્કાબારની અંદરથી સીલબંધ હાલતના 146 ફ્લેવરના પેકેટ, નાના મોટા હુક્કા નંગ-37, ચિલમો, સિલ્વર ફોઈલ પેપર, અલગ અલગ ફ્લેવર ટોબેકો સહિત કુલ 62 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે પીસીબીએ જાણવા જોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાફેની અંદર કોફી અને નાસ્તાની આડમાં લોકોને હુક્કા પીરસવામાં આવતા હતા.
આ હુક્કામાં તમાકુની ફ્લેવર પણ એડ કરવામાં આવતી હતી, જે ગેરકાયદે રીતે હોવાથી પોલીસને આ જગ્યાએ રેડ કરવાની બાતમી મળી હતી. પીસીબી પીઆઇ એમ.સી. ચૌધરી અને તેમની ટીમ બાતમીના આધારે બિગ ડેડી કાફે પર પહોંચી ગયાં હતાં, જ્યાં અંદર એક ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા પી રહ્યા હતા. આ જગ્યાના સીસીટીવી પણ પીસીબી દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે.
પીસીબીની તપાસ દરમિયાન સામે આવ્યું કે કેફેની આડમાં છેલ્લા બે માસથી હુક્કાબાર ચલાવવામાં આવતું હતું. આરોપી અને કેફે માલિક ભાવિન પટેલ રૂપિયા બે લાખના ભાડેથી સરખેજ રોડ પર બિગ ડેડી નામથી કેફે ચલાવતો હતો અને એક હુક્કાના ગ્રાહકો પાસેથી 800 રૂપિયા વસૂલતો હતો.