Ambaji માં ભક્તોનું ઘોડાપૂર, ત્રણ દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમઠી પડ્યુ છે. ત્રણ દિવસમાં જ 9.88 લાખ માઈભક્તો અંબાજીના દર્શનાર્થે પહોચ્યા છે. મંદિરમાં અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની દાનની આવક થઈ છે. માત્ર ત્રણ દિવસમાં જ મંદિર પર કુલ 1220 ધજારોહણ કરાઈ છે. જ્યારે 7 લાખ 55 હજારથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું છે.
ત્રીજા દિવસે ચાર લાખ 89 હજારથી વધુ યાત્રાળુએ દર્શન કર્યા
અંબાજીમાં અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. દરમિયાન ભાદરવી પૂનમના મેળાને લઈને માઈભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મેળાના ત્રણ દિવસમાં જ નવ લાખ 88 હજાર શ્રદ્ધાળુએ માં અંબાના દર્શન કર્યા છે. જેમાં ત્રીજા દિવસે ચાર લાખ 89 હજારથી વધુ યાત્રાળુએ માં અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે.
કુલ 7.55 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ
આજે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ સાથે ભોજનશાળામાં 1.77 લાખ યાત્રિકોએ લાભ લીધો છે. નોંધનીય છે કે, ત્રણ દિવસમાં કુલ 7.55 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા બે દિવસમાં 15,528 પેકેટ ચીકીનું વિતરણ કરાયું છે.
એસટી નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની માઈભક્તો પગપાળા માં અંબા ના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે આ વર્ષે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ સહિત ચાર વિભાગ દ્વારા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
Also Read –