આપણું ગુજરાત

કચ્છની ભારતીય જળ સીમામાંથી તટરક્ષક દળે ૧૩ પાકિસ્તાની સાથેની એક ફિશિંગ બોટ ઝડપી

ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓખા ખાતે સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે

ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડીને આવેલા સરહદી કચ્છ પાસેની ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડરની અંદર ઘૂસી આવી ભારતની જળસીમામાં માછીમારી કરી રહેલી બોટ સાથે ૧૩ જેટલા પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય કોસ્ટકાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, ભરતીય તટરક્ષક દળની ચોકિયાત બોટ અરિંજયે ગત મંગળવારની રાત્રે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસેની ભારતીય જળસીમાની લગભગ ૧૫ કિ.મી અંદર માછીમારી કરી રહેલી પાકિસ્તાની બોટને સ્પોટ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સી દ્વારા તેને પડકારવામાં આવતાં આ બોટ પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી, જો કે અગાઉથી સતર્ક રહેલા આ અત્યાધુનિક આઇસીજી જહાજે બોટનો ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધી હતી. પાકિસ્તાની નાગરિકોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલી પાકિસ્તાની બોટ પી.એફ.બી નાઝ-રે- કરમ (રેગ નંબર ૧૫૬૫૩બી) ગત ૧૯મી નવેમ્બરના રોજ ૧૩ લોકો સાથે કરાચીથી રવાના થઈ હતી. હાલ તમામ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરોને સંયુક્ત પૂછપરછ માટે ઓખા બંદર ખાતે લઈ જવામાં આવવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીના સામાન સિવાય કશું વાંધાજનક મળ્યું ન હોવાનું તપાસકર્તાએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button