ગુજરાતની મેડીકલ કોલેજોના ઇતિહાસમાં પહેલી ઘટના, એકસાથે 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવાયા
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એક ઐતિહાસિક ઘટના બની છે. કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડૉ. હેમંત મહેતા દ્વારા એકસાથે કોલેજના 93 વિદ્યાર્થીઓ સામે કડક પગલા લઇ તેમને આગામી નવેમ્બરમાં યોજાનારી પરીક્ષામાં બેસવા નહી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ફિઝિયોલોજી, એનાટોમી અને બાયોકેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓની વર્ગખંડમાં ઓછી હાજરી અને બોન્ડ જમા ન કરાવવાને કારણે ડીને કડક હાથે કામ લઇ આ વિદ્યાર્થીઓને ડિટેઇન કર્યા છે. સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષ MBBSમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ નિયમિત હાજર રહેતા ન હતા, ઉપરાંત ડિટેઇન કરાયેલા 93માંથી 2 વિદ્યાર્થીઓ એવા હતા જેમણે MBBSમાં પ્રવેશ મેળવ્યા પછી આજ દિન સુધી 20 લાખના બોન્ડ કોલેજમાં જમા કરાવ્યા ન હતા. આથી તેમની સામે આ પગલા લેવાયા છે.
નેશનલ મેડીકલ કમિશનની ગાઇડલાઇન્સ મુજબ પરીક્ષામાં બેસવા માટે 20 ટકા સુધી ગેરહાજરી પણ માન્ય રહે છે પરંતુ આ વિદ્યાર્થીઓ તેના કરતા પણ વધારે સમય સુધી ગેરહાજર રહેતા તેમને ડિટેઇન કરાયા છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી 93 જેટલા વિદ્યાર્થીઓને આખી પરીક્ષામાંથી ડીટેઈન કરતાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષામાંથી રદ્દ કરવાનો મેડિકલ કોલેજના ઇતિહાસમાં પણ પ્રથમ બનાવ છે.