કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં બે નેતાઓ વચ્ચે મારામારી! જાણો શું હતો સમગ્ર વિવાદ…

અમદાવાદઃ એક બાજુ કોંગ્રેસ પાર્ટી અધિવેશન માટે તૈયારી કરી રહી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રસના નેતાઓ પૈસાની લેતીદેતી મામલે ઝઘડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કોગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલે યોજાવાનું છે. જેના માટે અત્યારે બેઠકો અને તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ ગઈ કાલે કોંગ્રેસના નેતાઓએ એકબીજાને ગાળો આપી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા વચ્ચે મારામારી થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન; શહેર અને આસપાસની હોટલના 2000 રૂમ બુક…
આખરે ક્યાંથી શરૂ થયો હતો આ સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, આગમી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે, જેથી કોંગ્રેસ કાર્યાલયમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ અધિવેશનને લઈને બેઠક ચાલી રહી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બેઠક દરમિયાન અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ શેખ, ભરત મકવાણા, પ્રગતિ આહીર, નીરવ બક્ષી અને ગ્યાસુદ્દીન શેખ હાજર રહ્યાં હતાં. પરંતુ બેઠક દરમિયાન બે નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો વધારે ઉગ્ર બની ગયો હતો. રૂપિયાની કોઈ બાબતને લઈને બન્ને વચ્ચે પહેલા ચર્ચા થઈ અને પછી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને બન્ને નેતાઓ ગાળાગાળી પર આવી ગયાં હતાં. ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણાનો કોલર પકડી લીધો હતો, જોકે અન્ય નેતાઓએ બંનેને છૂટા કરાવ્યા હતા.
આયોજન માટેની બેઠક અચાનક મારામારીમાં ફેરવાઈ ગઈ
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે લોકસભાની ચૂંટણીના પૈસા બાબતે આ બબાલ થઈ હતી. લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ જેમાં કોંગ્રેસને કઈ ખાસ ફાયદો થયો નથી. કારણે ગુજરાતમાં માત્ર એક જ બેઠક મળી છે. પરંતુ ચૂંટણીનો હિસાબ હજી બાકી હોવાની બાબતે ગ્યાસુદ્દી શેખ અને ભરત મકવાણા વચ્ચે ગઈ કાલે બેઠકની વચ્ચે જ ચર્ચાઓ થઈ અને પછી મામલો મારામારીએ પહોંચી ગયો હતો. જેથી અત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અધિવેશનની બેઠકમાં 2024 ની લોકસભા ચૂંટણીનો હિસાબ કરવાની ક્યાં જરૂર હતી? જો કે, બાદમાં મામલો શાંતિ પાડી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ વિવાદને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
2027 ની વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ થશે તૈયાર!
અધિવેશનની વાત કરવામાં આવે તો, કોંગ્રેસ પાર્ટીના નેતાઓની તૈયારી મામલે બેઠકો ચાલી રહી છે. આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. આ અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસ નેતાઓ આવવાના છે. જેમાં આગામી ચૂંટણીઓને લઈને પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી શકે છે. મહત્વની વાત એ છે કે, હમણાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ મોટો ફટકો પડ્યો છે, જેથી આગામી સમયની ચૂંટણીમાં પૂર્વાયોજન કરવું ખૂબ યોગ્ય છે. કારણે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ સત્તા લેવા માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ ભાજપની રણનીતિ સામે કોંગ્રેસનો પ્રચાર ફિકો પડી જાય છે.