ગુજરાતનો નકલી સીએમઓ આસામ-મિઝોરમ બોર્ડર પહોંચ્યો અને પકડાયો
અમદાવાદ: ગાંધીનગરમાં રહેતો યુવાન પોતે સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને ગંભીર ગુનામાં વડોદરા પોલીસે વિરાજ પટેલ નામના શખસની ધરપકડ કરી હતી. જોકે તે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ પકડે નહીં એ માટે તેણેે સાત હજાર કિ.મી.નું અંતર કાપ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આસામ-મિઝોરમ બોર્ડર પરથી તેને પકડી પાડયો હતો. ગાંધીનગરના સરગાસણમાં રહેતા વિરાજ પટેલ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મુંબઇની મહિલા સાથે દુષ્કર્મ અને પોતાને સીએમઓ ઑફિસમાં કામ કરતો હોવાનું જણાવી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને સેસન્સ કોર્ટમાં મુદ્દત હોય લઇ જવાયો હતો. જ્યાંથી તે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. ગંભીર ગુનાનો આરોપી ફરાર થઇ જતાં જાપ્તાના પોલીસ સબ ઇન્સપેક્ટર અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમ જ આરોપીને ઝડપી પાડવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જુદી-જુદી ટીમો દ્વારા ૫૦૦ જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. વિરાજ પટેલ સાથે સંકળાયેલા લોકો પર વોચ રાખવામાં આવી હતી. પોલીસ પકડી ન લે એ માટે વિરાજે સાત હજાર કિ.મી.નું અંતર કાપ્યું હતું. તપાસ દરમિયાન આરોપી વિરાજ વડોદરાથી અમદાવાદ અને ત્યાંથી છતીસગઢ, બિહાર, ત્રિપુરા પહોંચ્યો હતો. ત્યાંથી આસામ- મિઝોરમ બોર્ડર પર આશ્રય લઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમ જ તે વિદેશ ભાગી જવાની પેરવીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિરાજ જ્યાં જ્યાં આશ્રય લઇ રહ્યો હતો ત્યાં ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને છેવટે તે આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.ઉ