રાજકોટમાં બિલ્ડર જૂથ પરના દરોડાના બીજા દિવસે કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટના રિયલ એસ્ટેટના બે મોટા માથાને ત્યા ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા મંગળવાર સવારથી પડ્યા હતા. ઈન્કમ ટેક્સ વિભાગે જાણીતા એસોસિયેટ્સ અને ઓરબીટ ગ્રુપ ઉપર દરોડા પાડ્યા હતા. દિલીપ લાડાણી અને વિનેશ પટેલ સહિત ૧૫થી વધુ સ્થળો પર દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દિલીપ લાડાણી સાથે સંકળાયેલ અનેક વેપારી અને ઉદ્યોગપતિ પણ હડફેટે આવી ગયા હોવાનું સૂત્રો તરફ માહિતી બહાર આવી રહી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળ્યા હતા. બીજી તરફ આ દરોડા હજુ શુક્રવાર સુધી ચાલશે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિએટના ૩૦ સ્થળે પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો, રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. આઈટી વિભાગે કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા.
આઈટી વિભાગના દરોડામાં અધિકારીઓને કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા હતા. મોટા ઉદ્યોગપતિ, તબીબ, સીએ, સોની વેપારીઓએ આ લોકોના પ્રોજેક્ટમાં રોકાણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે.
આગામી દિવસોમાં રોકાણ કરનારા ઉદ્યોગપતિ, તબીબો, સીએ અને સોની વેપારીએ ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.