Surendranagar ના પાટડીમાં ઘરમાં રાંધણ ગેસની પાઇપ નીકળતા આગ લાગી, નવ લોકો દાઝયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના પાટડીમાં આગની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં રસોઇ બનાવતી વખતે રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. પરિવારના મહિલા, બાળકો સહિત નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝી ગયેલા લોકોને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
દોડભાગ જોવા મળી હતી
પાટડીમાં રસોઇ બનાવતા સમયે ઘરમાં ગેસની પાઇપ લાઇન નીકળી ગઇ હતી જેની બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્યા હતા. ઘરની અંદર આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ દોડભાગ જોવા મળી હતી.
ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
આ બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આસપાસના લોકો તેમજ પરિવારના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાસે પહોંચી ગયા હતા.