વાઇબ્રન્ટ સમિટમાં બુલેટ ટ્રેનનું મોડલ પ્રદર્શિત કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- ૨૦૨૪ ગુજરાત ખાતે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ૧:૧૦ સ્કેલનું મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ સ્ટોલને ડ્રાઇવિંગ કેબિનના સિમ્યુલેટર જેવા અન્ય વિવિધ મોડલ્સથી શણગારવામાં આવ્યો છે, જ્યાં લોકોએ બુલેટ ટ્રેનની રેપ્લિકામાં ટ્રેનના ડ્રાઇવરની કેબિનના વાતાવરણમાં ટ્રેન ઓપરેટરની ભૂમિકાનો અનુભવ કર્યો હતો. ભારતની પ્રથમ અન્ડરસી રેલ ટનલ માટે ટનલ બોરિંગ મશીન, એમએએચએસઆર ટ્રેક સિસ્ટમ, સુરત હાઈસ્પીડ રેલનું આર્કિટેક્ચરલ મોડલ, સ્ટેશન, નદી, પુલ અને હાઇસ્પીડ રેલ મલ્ટિમોડલ હબને પણ પ્રદર્શિત કરાયો છે. એટલું જ નહીં હાઈસ્પીડ રેલ સ્ટેશન પર બુલેટ ટ્રેનના આગમનનો રોમાંચ અનુભવવા માટે ઓગમેન્ટેડ રિયાલિટીમાં અનુભવ ઝોન પણ બનાવવામાં આવ્યો છે. હવાઈ મુસાફરી દરમિયાન ઘણા મુસાફરોને કાનના દબાણનો અનુભવ થાય છે. ખાસ કરીને બોગદાંમાંથી પસાર થતી વખતે, આવા જ પડકારો હાઇ સ્પીડ રેલમાં પણ આવી શકે છે. આ સમસ્યા દૂર કરવા સંપૂર્ણ ટ્રેનની બોડીને હવા ચુસ્ત બનાવવામાં આવશે. આ ટ્રેનોમાં અવાજ ઓછો કરવા માટે બોડીમાં ડબલ સ્કિન એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ, નોઇઝ ઇન્સ્યુલેશન સાથે એર ટાઇટ ફ્લોર, બોગીના ભાગ પર અવાજ શોષતા સાઇડ કવર્સ, કાર વચ્ચે ફેરિંગ્સ, પેન્ટોગ્રાફ માટે નોઇઝ ઇન્સ્યુલેશન પેનલ્સ વગેરે
લાગશે.
ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ એમ ત્રણ અલગ-અલગ ક્લાસ હશે. બધા વર્ગોની બેઠકો એર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવી છે અને મુસાફરોના આરામ માટે પૂરતો લેગરૂમ રખાશે. ટ્રેનમાં એલઇડી લાઇટિંગ, સામાન ઉપર મૂકવાના રેક્સ, ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં સીટ ટિલ્ટિંગ સાથે કાર્યરત સિટ લેગ રેસ્ટ્સ, ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં વાંચવા માટેના લેમ્પ્સ વગેરે જેવી સુવિધાઓ હશે. લેપટોપ ,મોબાઇલ ચાર્જિંગ માટે પાવર આઉટલેટ્સ, પુરુષો, મહિલાઓ માટે આધુનિક શૌચાલયો અને વ્હીલચેર એક્સેસિબિલીટી પણ હશે. ઓનબોર્ડ પર એનાઉન્સમેન્ટ માટે એલસીડી પેસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ હશે, તદુપરાંત વોઇસ કમ્યુનિકેશન સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ઇમરજન્સી કોલ ઇક્વિપમેન્ટ, વાયર્ડ અને વાયરલેસ ઇન્ટરફોન સામેલ હશે. કોચમાં બ્રેઇલ સક્ષમ માહિતી સાઇનેજ પણ હશે. વર્લ્ડ ક્લાસ બેઠક વ્યવસ્થા ઉપરાંત બીમાર કે બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓને અને આવા અન્ય ઘણા હેતુઓ માટે ફોલ્ડિંગ બેડ, બેગેજ રેક, મિરર સાથે મલ્ટિપર્પઝ રૂમ આપવામાં આવશે. સુરક્ષા માટે કોચમાં બંને બાજુએ કેમેરા હશે જે ઓનબોર્ડ પ્રવૃત્તિઓને રેકોર્ડ કરશે.