જિગ્નેશ મેવાણીને મોટી રાહત, 7 વર્ષ જૂના મામલે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ને મોટી રાહત મળી છે. ટ્રેન રોકવાની ઘટના સાથે જોડાયેલા સાત વર્ષ જૂના એક મામલે કેસમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકોને અમદાવાદની મેટ્રો કોર્ટે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલો 2017માં રાજધાની ટ્રેનને રોકવાનો હતો. જીગ્નેશ મેવાણીએ ગેરકાયદેસર રીતે ભેગા થઈને કાલુપુર રેલવે સ્ટેશન પર અમદાવાદથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની ટ્રેન રોકી હોવાનો આક્ષેપ કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જીગ્નેશ મેવાણી અને અન્ય વિરોધીઓ ટ્રેનના એન્જીન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સુઈ જઈને ટ્રેનને રોકી હતી. આ તમામ સામે IPC ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 7 વર્ષની સુનાવણી બાદ અંતે આ કેસનો નિર્ણય આવ્યો છે. અમદાવાદની મેટ્રો કોર્ટે જિજ્ઞેશ મેવાણી અને અન્ય 31 આરોપીઓને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ છોડી મૂક્યા છે.
ગુજરાતમાં દલિત રાજકારણનો ચહેરો ગણાતા જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તેઓ અહીના ચાલુ ધારા સભ્ય છે. મેવાણી 2017માં વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બન્યા હતા, પરંતુ કોંગ્રેસે તેમને સમર્થન આપ્યું હતું. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓ રાહુલ ગાંધીના નજીકના નેતા ગણાય છે. જીગ્નેશ મેવાણીએ ભાજપના મણીલાલ વાઘેલાને 4928 મતોથી હરાવ્યા હતા. મેવાણી હંમેશા કોઈને કોઈ મુદ્દાને લઈને સતત ચર્ચામાં રહેનારા નેતાઓમાંના એક છે.