Gujarat ના 9343 યુનિટો હાનિકારક કચરાના રિપોર્ટ જમા કરાવવામાં ઉદાસીન, CPCBના અહેવાલમાં ઘટસ્ફોટ
અમદાવાદ : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના(CPCB)અહેવાલમાં ગુજરાતને લઇને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં હાનિકારિક કચરો ઉત્પન્ન કરતાં 23,057 યુનિટમાંથી માત્ર 13,714 યુનિટો જ નિયમ મુજબ રિપોર્ટ જમા કરાવે છે. આ રિપોર્ટમાં યુનિટે વેસ્ટ જનરેશન અને રિસાઇકલ અંગેના વિગતવાર અહેવાલ નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવાના હોય છે.
હાનિકારક કચરાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું
એક અખબારના અહેવાલ મુજબ સીપીસીબીએ જણાવ્યું છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે 9343 એકમોએ નિયમ મુજબ માહિતી જમા નથી કરાવી તેને શો-કોઝ નોટિસ ફટકારી છે. અહેવાલ મુજબ 4.93 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી. તેમજ રાજ્યના વધતા ઔદ્યોગિકીકરણના પગલે હાનિકારક કચરાનું પ્રમાણ પણ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણું વધ્યું છે. ગુજરાત અન્ય પાંચ મોટા રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઓડીશા અને આંધ્ર પ્રદેશ કરતાં પણ વધુ કચરો પેદા કરે છે. આ પાંચ રાજયો કુલ કચરાના 39.42 ટકા એટલે કે 61 ટકા હાનિકારક કચરો પેદા કરે છે.
ગુજરાત 63.23 લાખ મેટ્રિક ટન કચરો પેદા કરે છે
જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં હાનિકારક કચરો પેદા કરવામાં કિસ્સામાં ગુજરાતનો હિસ્સો 29 ટકાથી વધીને 40 ટકાએ પહોંચ્યો છે. તેમજ સૌથી વધુ હાનિકારક કચરો પેદા કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાત 63.23 લાખ મેટ્રિક ટન હાનિકારક કચરો કચરો પેદા કરે છે. જયારે 13.84 લાખ મેટ્રિક ટન સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે.