નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ: બાકીની કામગીરી ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ ૬૯,૪૯૭.૪૧ કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી ૬૩,૭૭૩ કિ.મી લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે, નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને રાજ્યના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે.
રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થયું છે તેમજ શાખા નહેરનું કામ ૯૯.૯૮ ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું ૯૬ ટકા, પ્રશાખા નહેરનું ૯૩ ટકા અને પ્રપ્રશાખા નહેરનું ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૭૨૪ કિ.મી નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે, તે પૈકી ૭૨૪ કિ.મી નહેરોનું બાંધકામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતું નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ ૫,૦૦૦ કિ.મીમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
લઘુ જળ વિદ્યુત મથકોમાં કુલ ૮૫.૪૬ મેગાવોટના પ્રોજેક્ટ પૈકી તા. ૩૧.૧૨.૨૦૨૩ની સ્થિતિએ ૬૩.૮૦ મેગાવોટ્ના કામો પૂર્ણ થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.