એસઆઈઆરઃ નવ લાખ મૃતક મતદાર, નવ લાખ કાયમી માઈગ્રેટેડ મળી આવ્યા

આઠ જિલ્લામાં સો ટકા ફોર્મ વિતરણ અને 70%થી વધુ ગણતરી ફોર્મનું ડિજિટાઈઝેશન
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ અંગે ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 2002ની મતદાર યાદીમાં નોંધાયેલા 5.08 કરોડ મતદારો પૈકી 5.07 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તાપી, સાબરકાંઠા, ગીરસોમનાથ, મહિસાગર, અમરેલી, બોટાદ, અમરેલી, નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંના 70%થી વધુ ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી સંપન્ન કરી દેવાઈ છે.
આ કામગીરીમાં 81.15 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે. ડિજિટાઈઝેશનની ટકાવારીની વાત કરીએ તો ડાંગમાં 82.24, બનાસકાંઠામાં 76.99, સાબરકાંઠામાં 74.34, તાપીમાં 74.11, પંચમહાલમાં 73.50, ગીર સોમનાથમાં 72.62, પાટણમાં 72.39, નર્મદામાં 69.14, દાહોદમાં 69.06 તેમ જ ભાવનગરમાં 68.31 ટકા પૂરું થયું હોવાનું પંચની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મતદાર યાદી અપડેટના નામે નવું કૌભાંડ! ‘SIR ફોર્મ’ સ્કેમથી બચવા માટે શું કરશો?
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 9 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે 1 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 9 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 1.15 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.



