સરકારની ઘોર નિંદ્રા ઊડી : રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં મોત બાદ અન્ય ગેમઝોન બંધ કરાવવા આદેશ
રાજકોટ : હજુ ગઈકાલે રાજકોટમાં ગેમઝોન (Rajkot TRP Game zone)માં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 35 લોકોના મોત થયા છે. લોકોના મોતના તાંડવ બાદ તંત્રની આંખો ખૂલી છે અને હવે તંત્ર દ્વારા હવે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પણ આ મામલે એસાઇટીની રચના કરવામાં આવી છે. સરકારે રાજ્યમાં ચાલતા અન્ય તમામ ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીએ પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
સરકારના આદેશ બાદ જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ કોઈપણ પ્રકારની સેફટી વગર ચયલતી હોવાની ચર્ચા છે અને બીજી બાજુ સૂરજ ફન વર્લ્ડની વિવિધ રાઇડ્સ પણ રવિવારે બંધ કરી દેવામાં આવી છે. તંત્ર હવે તપાસ પૂર્ણ કર્યા બાદ હવે રાઇડ્સ પુનઃ ક્યારે શરૂ કરવું તે અંગે નિર્ણય લેશે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગિરનાર તળેટીમાં ભવનાથમાં ચાલતી રાઇડ્સ પણ પરવાનગી વગર ચાલતી હોવાનો અને ફાયર સેફટીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં બનેલી આગ દુર્ઘટનાને લઈને જુનાગઢ સૂરજ ફન વર્લ્ડ સહિતના ગેમઝોનને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ નિયમો અને સાવચેતીના પગલાંને નેવે ચડવાનાર સંચાલકો વિરુદ્ધ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
તો મોરબી જિલ્લામાં પણ ચાલતા 4 ગેમઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મોરબીના થ્રીલ ચીલ, લેવલ અપ, પાપાજી ફનવર્લ્ડને બંધ કરવામાં આવ્યા છે. ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર હવે આટલા મોત બાદ સફાળું જાગ્યું છે.