અમે ઈ-ચલાન નહીં ભરીએ! અમદવાદમાં 6 મહિનામાં 81.5% ઈ-ચલાન ચુકાવાયા નથી
અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહનચાલકોને દંડ ફટકારવા ગુજરાત પોલીસે (Gujarat Police) રસ્તાઓ પર સીસીટીવી લગાવી, ઈ-ચલાન (E-Challan) મોકલવાનું શરુ કર્યું હતું. પરંતુ આ યોજનાનો ફિયાસ્કો થઇ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ 2024ના પ્રથમ છ મહિનામાં અમદાવાદ(Ahmedabad)માં ટ્રાફિકના ઉલ્લંઘન માટે ફટકારવામાં આવેલા 81.5% જેટલા ઈ-ચલાન ચુકવવામાં આવ્યા નથી.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, અમદાવાદમાં વર્ષ 2024ના પ્રથમ છ મહિનાના સમયગાળામાં ટ્રાફિકના ઉલ્લંઘન માટે જનરેટ કરવામાં આવેલા 3,99,988 ઈ-ચલણોમાંથી 81.5% ની ચુકવણી કરવામાં આવી નથી. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં ટ્રાફિકના ઉલ્લંઘન માટે 3,99,988 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 74,094 (18.5%) ચૂકવવામાં આવ્યા હતા જ્યારે 3,25,894 (81.5%) ચૂકવાયા નથી.
2024 ના છ મહિનામાં, જનરેટર કરાયેલા ઇ-ચલાનોથી રાજ્યની તિજોરીને રૂ. 41,36,66,650 મળવા પાત્ર છે, જેમાંથી રૂ. 34,86,30,650 હજુ ચૂકવવાના બાકી છે.
ટ્રાફિક રેગ્યુલેશન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડમાં વધારો એ એક કારણ છે કે લોકો ઓનલાઈન પેનલ્ટી ચૂકવવામાં અચકાય છે. લોકો ખોટી લિંક પર ક્લિક કરવાથી ડરતા હોય છે અથવા ક્યારેક એવું પણ માને છે કે તેઓ ઈ-ચલાન દ્વારા છેતરપિંડી કરનારાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે, આ રીતે તેમની અવગણના કરે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આવી શંકાઓને www.parivahan.gov.in પર જઈને સરળતાથી દૂર કરી શકાય છે જ્યાં કોઈ વ્યક્તિ વાહનના નંબર જેવી વિગતો દાખલ કરી શકે છે, અને જાણી શકે છે કે ઈ-ચલાન ખરેખર વાહન માલિકના નામે જનરેટ કરવામાં આવ્યું છે કે કેમ.
અધિકારીએ જણવ્યું કે જેઓ જાણીજોઈને ઈ-ચલાનની અવગણના કરે છે તેણે કોર્ટ સમક્ષ બોલાવવામાં આવી શકે છે અને કોર્ટ જે પણ નિર્ણય કરે છે એ મુજબ દંડ ચુકવવાનો રહેશે.