ચાઈનીઝ દોરીથી રાજકોટમાં 80 ગળા કપાયા
રાજકોટઃ મકરસંક્રાંતિનો ઉત્સવ ધામધૂમથી ગુજરાત આખાએ ઉજવણી કરી હતી. મુંબઈમાં પણ માહોલ પતંગબાજીનો રહ્યો. હર્ષોલ્લાસ સાથે ઉજવાયેલા આ પતંગોત્સવમાં સામાન્ય રીતે સાદી ભારતીય દોરીથી પતંગ ઉડાડી લોકો આનંદ કરતા હોય છે, પરંતુ સરકારની કાયદાકીય મનાઈ હોવા છતાં અમુક તત્વો સુધારતા નથી. અને પતંગ ઉડાડવા માટે તથા હું સૌથી વધારે પતંગ કાપી શકું છું એવા અહમને પોષવા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે.
ચાઈનીઝ દોરી વિદ્યુત વાહક હોય છે. ઉપરાંત જલ્દીથી ન તૂટે તેવી હોય છે. કપાયેલા પતંગની દોરી કે અન્ય પ્રકારે વાહન ચાલકોના ગળા ઉપર આવે છે ત્યારે ઘાતક સાબિત થાય છે. રવિવારે રાજકોટ જિલ્લામાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લગભગ 80થી વધુ લોકોના ગળા ઉપર દોરીને કારણે થયેલી ઇજા સાથે સારવાર અર્થે આવ્યા હતા. આ તો સરકારી આંકડો છે જે લોકોએ ત્યાં સારવાર લીધી તેની સંખ્યા છે, પરંતુ અમુક ઇજાગ્રસ્તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ગયા હશે. આવા સંજોગોમાં લોકોએ સમજવું જોઈએ કે આપણા અહમ સંતોષવા માટે નહીં પરંતુ આનંદ કરવા માટેનો પતંગ ઉત્સવ છે. ત્યારે અમુક પ્રકારની દોરી ન વાપરી અને લોકોને પરેશાનીમાં ન મુકવા જોઈએ. બીજી વાત એ પણ છે કે સરકારે આ અંગે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ. અને આકરી સજાની જોગવાઈ કરવી જોઈએ. ઉપરાંત ચાઈનીઝ દોરી બજારમાં આવે તે પહેલા જ તેના વેપારીઓને દબોચી બિનજામીન લાયક ગુનો ગણી તેની પર પગલા લેવા જોઈએ. હજુ આજે પણ શાળા કોલેજો તથા અમુક પ્રાઇવેટ સેક્ટરમાં રજા હોય એ લોકો પતંગ ઉડાડશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખે તો લોકોની જિંદગી સાથે ખીલવાડ ન થાય.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આર. એસ. ત્રિવેદી સાથે વાત કરતા તેમણે વિગત આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80થી વધારે દર્દીઓ ગળા કે ચહેરા ઉપર દોરીને કારણે થયેલી ઇજાની સારવાર માટે આવ્યા હતા. ઉપરાંત, નાની મોટી અગાસી ઉપરથી પડી જવાની ઘટના પણ ઘટી હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી. સિવિલ હોસ્પિટલે ઇમર્જન્સી સારવારની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી જે પ્રશંશાપાત્ર છે.