80 કરોડની કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, પોલીસે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ
સુરત: સુરત જિલ્લા પોલીસે ભરૂચની બે કંપનીઓનું આશરે 80 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું એગ્રો કેમિકલ હજીરા બંદર જવાના રસ્તેથી અન્ય જગ્યાઓએ સગેવગે કરાઇ રહ્યું હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ચોરો એગ્રોકેમિકલના કન્ટેનરમાં કેમિકલ કાઢીને રેતી ભરી દેતા હતા અને કેમિકલ અન્ય ખાનગી સ્થળોએ પહોંચાડવામાં આવતું હતું.
ભરૂચની બે કેમિકલ કંપનીઓ વિદેશમાં એગ્રોકેમિકલ સપ્લાય કરવાનો બિઝનેસ કરે છે. આ કંપનીઓ હજીરા પોર્ટથી કેમિકલ એક્સપોર્ટ કરવાના સતત વ્યવહારો ચલાવે છે. જો કે એક્સપોર્ટ થાય તે પહેલા કેમિકલને કન્ટેનરમાંથી કાઢી લઇને તેની જગ્યાએ ચોરો રેતી ભરી દઇ તેને મોકલી દેતા હતા. આ અંગે પોલીસને અગાઉ ફરિયાદ પણ મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હજીરા પોર્ટ પાસેથી જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે મળેલી બાતમીના આધારે સુરતમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા જ્યાંથી સગેવગે થયેલું એગ્રોકેમિકલ મળી આવ્યું હતું. પોલીસે ધરપકડ કરેલા 2 આરોપીઓની પૂછપરછમાં તેઓ એક ખાસ ગેંગ સાથે મળીને આ કેમિકલની ચોરીનું એક આખું રેકેટ ચલાવતા હોવાની વિગતો મળી છે જેને આધારે પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.