Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે 24 કલાકમાં 8ના મોત, જામનગરના કલેકટરને પણ આવ્યો હાર્ટ અટેક

રાજકોટ: હાર્ટ-એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટ-એટેક આવ્યાના અહેવાલ છે. મળતી મહિતી મુજબ માત્ર રાજકોટ જિલ્લામાં જ હાર્ટ-એટેકથી 7નાં મોત થયાં છે. અહેવાલો મુજબ જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહને છાતીમાં દુખાવો થતા જી.જી. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજલ શાહ 2009ની બેચના IAS ઓફિસર છે, અગાઉ તેઓ UGVCLના એમડી, બનાસકાંઠા,પાલનપુરના ડીડીઓ અને બોટાદના કલેકટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. જી.જી. હોસ્પિટલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે, તમેની હાલાત સ્થિર હોવાનું જાણવા મળું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા હતા, આ ઉપરાંત ત્રણ પ્રૌઢના હાર્ટ-એટેકથી મોત થયા હતા. આજે વધુ એક યુવાન અને મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પ્રૌઢ કેદીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટમાં 22 વર્ષીય યુવાનનું હાર્ટ-એટેકથી મોત થયું હતું, બે દિવસ પછી શનિવારે તેના લગ્ન હતા. લગ્નના બે દિવસ પૂર્વે વરરાજાનું મોત નીપજતાં બંને પક્ષે શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. અંજારના 55 વર્ષીય કેદી હરિ લોચાણીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના લોહાનગરમાં ગઈકાલે 43 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું