આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં MBBSની બેઠકોમાં 78 ટકાનો વધારો..

અમદાવાદ: દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં MBBSના અભ્યાસક્રમની બેઠકોમાં વધારો થયો છે. લોકસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023-24માં MBBSમાં કુલ 7150 બેઠકો હતી. સ્થાનિક એડમિશન કમિટીના જણાવ્યા મુજબ વર્ષ 2018-19માં MBBSમાં 4000 બેઠકો હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠકોની સંખ્યામાં 78 ટકાનો વધારો નોંધાયો છે. વાત આખા દેશની કરીએ તો વર્ષ 2018-19માં 70 હજારથી વધુ બેઠકો હતી જે વધીને 2023-24માં 1.08 લાખ થઇ છે.

લોકસભામાં સાંસદ સુશીલકુમાર મોદી દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં 24 મેડીકલ કોલેજો હતી. આજે 39 સરકારી તથા ખાનગી કોલેજો છે. બેઠકોની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ મેળવવા દૂર જવું પડતું નથી. એક દાયકા પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને MBBS કરવા માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, પરંતુ હવે એ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

“ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી” દ્વારા ઘણી મેડીકલ કોલેજો ઉભી કરવામાં આવી છે. રાજકોટ AIIMS તથા વડોદરામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠ મળીને 100 ટકા એડમિશન ક્વોટા મળી રહ્યો છે. દેશભરની મેડીકલ કોલેજોની સ્થિતિ જોઇએ તો સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ, સ્વાસ્થ્ય મંત્રાલયે 22 નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના કરી છે અને 75 સરકારી મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આખા દેશમાં 22 નવી AIIMSમાંથી 19માં MBBSના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 2,037 અંડરગ્રેજ્યુએટ બેઠકોનો સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવ્યું છે કે આ યોજના 2014 માં શરૂ કરવામાં આવી હતી, જેથી નવી મેડિકલ કોલેજો ખોલવા માટે ભંડોળ પૂરું પાડી શકાય. આ યોજના હેઠળ મંજૂર કરાયેલી 157 કોલેજોમાંથી 93 કાર્યરત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button