Somnath મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે 75,000 ભક્તોએ દર્શન કર્યા

વેરાવળઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા 12 જ્યોતિર્લિગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શ્રાવણનો સર્વોત્તમ દિવસ સોમવારથી પ્રારંભ થતા આશરે 75,000 લોકોએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત સહિત સૌરાષ્ટ્રના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.
દર્શનાર્થીઓની એન્ટ્રી અને એક્ઝીટ બંને અલગ અલગ સ્થળે
સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર સાંજ સુધીમાં 50,000 દર્શનાર્થીઓ નોંધાયા હતા અને રાત્રિ સુધી ધસારો જારી રહ્યો હતો. લોકોની ભીડને ધ્યાને લઈને દર્શનનો સમય વહેલો કરીને સવારે ચાર વાગ્યે જ મંદિરના દ્વાર ખોલી દેવાનાં આવ્યા હતા. ઉપરાંત ભીડ અને ધક્કામુક્કી ટાળવા માટે આ વર્ષે દર્શનાર્થીઓની એન્ટ્રી અને એક્ઝીટ બંને અલગ અલગ સ્થળે રાખવામાં આવી હતી. તેમજ મંદિરમાં વિવિધ આરતીઓ થાય છે ત્યારે અગાઉ ભાવિકો આરતી પૂરી થાય ત્યાં સુધી રહેતા પરંતુ, હવે તેની મનાઈ કરીને દર્શન કરીને દર્શનાર્થીઓ આગળ ચાલતા જવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
હજારો શિવભક્તો પગપાળા દર્શનાર્થે આવ્યા હતા.
સોમનાથ મહાદેવને ગત મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસમાં સૌથી વધારે 56 ધ્વજા નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે શ્રાવણના પ્રથમ સોમવારે જ તે રેકોર્ડ તુટીને 68 ધ્વજા પૂજા નોંધાઈ હતી. ગંગાજળ,દૂધ સહિત વિવિધ પવિત્ર દ્રવ્યોનો અભિષેક સાથે 200થી વધુ ભૂદેવો દ્વારા હજારો પૂજાવિધિઓ કરવામાં આવી હતી. સવાલાખ બિલ્વપત્રની પૂજા સાથે મહાદેવને બિલ્વ શ્રૂંગાર કરાયો હતો તેમજ મહામૃત્યુંજય મંત્ર યજ્ઞા પ્રારંભ કરાયો હતો.
Also Read –