“મંદિર તૂટી શકે, આસ્થા નહિ” સોમનાથ મંદિરનો આજે સ્થાપના દિવસ
હિંદુ ધર્મના પ્રથમ જ્યોતિર્લીંગ અને દેશવિદેશમા વસતા લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે બિરાજમાન દેવાધીદેવ સોમનાથ. સોમનાથ એ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તો સાથે સાથે યુગોના યુગના ગાળા બાદ પણ સનાતન તાકી રહેલી હિંદુ ધર્મની આસ્થાનું પતીક પણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિએ કેટકેટલા આક્રમણકારીઓનાં વિનાશને વેઠ્યો છે. અને તેમ છતાં અંતે આજે પણ તેના ભવ્ય અને તેજોમય સ્વરૂપ સાથે અડીખમ ઉભી રહી છે.
સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે એટલે કે તા. 11 મે 1951 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.એે દિવસે ગુજરાતી પંચાગ મુજબ વૈશાખ સુદ પાંચમ અને શકસંવત 1873 હતું ેઆજે આ પ્રસંગને યાદ કરીને સોમનાથ શિવાલયમાં ખાસ વિશેષ પુજા કરવામાં આવશે.
ઇતિહાસથી લઈને આજદિન સુધી સોમનાથ મંદિર ભારતની ભવ્યતાનું પ્રતિક રહ્યું છે. આ ધરતી આમ પણ ખુબ જ મહત્વની રહી છે. ભગવાન ચંદ્રને લાગેલા શાપથી મુક્તિ થવા માટે તેમણે અહી શીવલિંગની સ્થાપના કરી હતી, આ જ ધરતી પર ભગવાન કૃષ્ણએ પણ તેનો દેહત્યાગ કરીને માનવલીલા સંકેલી હતી. આં જગ્યાએ તેની જાહોજહાલી અને વિનાશ બન્ને નજર સામે જોયા છે. ધ્વંસ્તથી લઈને નવનિર્માણ સુધી સોમનાથ મહાદેવ ભારતીય આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યું છે.
ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947ના દિવસે સોમનાથ મહાદેવના મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. આજના સોમનાથ મંદિરનું તેની મુળ જગ્યાએ સાતમી વખત નિર્માણ થયું છે. 1 ડિસેમ્બર, 1995ના રોજ મંદિરનું પુનઃ નિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું હતું. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જ્યોર્તિલીંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી હતી.
આ મંદિરના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે, તેમણે મંદિરની ગરિમા પરત લાવવા સમુદ્રકિનારે જળ અંજલી લઈને નવનિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. એ પછી 11 મે ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ દિવસ શુક્રવાર હતો.જે તે સમયે મહાદેવજીને ભારતની 108 નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો. સવારે ૯-૪૬ મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. શાસ્ત્ર અનુસાર હીરા માણેક રત્નો નાંખવામાં આવ્યા હતા.રાજેન્દ્રબાબુએ ગર્ભગૃહમાં બેસીને સપત્ની પુજા કરી હતી. એ વખતે સુવર્ણ શલાકા સોનાની ચાર ઈંચની બારીક સળીથી ખાસ વિધિ કરવામાં આવી હતી. અને વેદમંત્રોથી શિવલિંગમાં પ્રાણ પૂર્યા હતા. અને એની સાથે દેવત્વ પ્રગટ થયું હતુ.
આ સમયે સાગર પર રાખેલી નૌકાઓમાં જય સોમનાથના ગગનભેદી અવાજો ઉઠયા હતા. મંદીર નજીક 121 તોપોના ધડાકા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આજે પણ આ મંદિરના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે. દ્વારશાખ અને આગળના સ્તંભો ,નૃત્ય મંડપ,સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે. નાગરી શૈલીમાં ગુપ્તકાળ બાદ બનેલું એકમાત્ર ભવ્ય મંદીર છે.
સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે.