સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણમા છેલ્લા પાંચ દિવસમાં સાત શ્રમિકોના મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી ખાણમાં શ્રમિકોના મોતનો મામલો ગરમાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વર્લી વચ્ચેના વિસ્તારમાં વધું ત્રણ મજુરોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રમિકોના મોત બાદ ખનનમાફીયાઓ દ્વારા મૃતકોને સગેવગે કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોને શોધવાની અને બનાવની જગ્યાએ પહોંચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
13મી જુલાઈએ ભેટ ગામે ત્રણ મજૂરોના મોત
આ પહેલા 13મી જુલાઈના રોજ સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોનાં મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મુળી તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત ચાર લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો હતો.