અમદાવાદમાં 7, ગાંધીનગરમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ: કોરોનાના નવા વેરીઅન્ટ JN.1ના 2 કેસ કેરળમાં નોંધાયા બાદ દેશભરમાં ઓચિંતા જ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભારતમાં નવા વેરીઅન્ટ JN.1ના કુલ 21 કેસ એક્ટિવ હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ગુજરાતમાં પણ ગાંધીનગરમાં ગઇકાલે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, અને આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં પણ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હાલ જે 13 કોરોનાના એક્ટિવ કેસ છે, તેમાંથી એક પણ નવા વેરીઅન્ટનો નથી. અમદાવાદથી નોંધાયેલા 7 કેસમાંથી 5 વિદેશ પ્રવાસ કરીને આવેલા દર્દીઓ છે. જેમાં 3 પુરુષો અને 4 મહિલાઓ સામેલ છે. આ તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રખાયા છે. દર્દીઓના સેમ્પલ JN.1 તપાસ માટે મોકલાયા છે. આ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના જોધપુર, પાલટી અને ઘાટલોડિયા વિસ્તારના છે. આ તમામ કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે.
ગાંધીનગરમાં ગઇકાલે 2 મહિલા કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. આ બંને બહેનો છે તેમજ બંને દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને પરત આવ્યા હતા. બંને બહેનો સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંનેએ વેક્સિનના બે ડોઝ પણ લીધા હતા. ત્યારબાદ આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, તેમજ આ વ્યક્તિ પણ દક્ષિણ ભારતના પ્રવાસથી પરત આવેલ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ જોવા મળી રહેલા કોરોનાના JN.1 વેરિઅન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિઅન્ટના કેસમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. તેમ છતાં સતર્કતા રાખવી જરૂરી છે, તેવું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.