ગુજરાતમાં ભારે વરસાદને પગલે 6604 ગામડાઓમાં ‘અંધારપટ’
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 33 જિલ્લાના કુલ 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે.
છોટાઉદેપુરના ગામમાં વીજપુરવઠો બંધ:
રાજ્યમાં ભારે વરસાદને લઈને 33 જગ્યાએ વીજફીડર બંધ થઈ ગયા હતાં 84 જેટલા વીજપોલ વરસાદને લઈ જમીનદોસ્ત થયા હતા. જેને લઈને 6604 ગામડાઓમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. વીજ વિભાગ દ્વારા ભારે જહેમતથી દોઢ કલાક બાદ વીજ પુરવઠો યથાવત કરાયો હતો. હજુ સુધી છોટાઉદેપુરના ત્રણ ગામડાઓમાં લાઈટ ડૂલ છે.
વરસાદના કારણે સ્ટેટ હાઇવે બંધ:
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં છ જેટલા સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આણંદ, નર્મદા, સુરત ખાતે સ્ટેટ હાઇવે બંધ છે. તેમજ રાજકોટ, મોરબી, ભરૂચ, બરોડામાં અન્ય બે માર્ગો બંધ છે. તેમજ અમદાવાદ અને કચ્છમાં એક-એક માર્ગ બંધ છે. છોટાઉદેપુરમાં 11, નર્મદા ચાર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, મોરબીમાં એક-એક માર્ગ બંધ છે. આ ઉપરાંત જામનગર અને દ્વારકા, જૂનાગઢમાં બે-બે માર્ગ બંધ છે. પોરબંદરમાં છ માર્ગ બંધ થયા છે.