આપણું ગુજરાત

અમદાવાદ મનપાના ચીફ એકાઉન્ટન્ટ સહિત ૬૪ અધિકારીઓએ મિલકત જાહેર ન કરતા નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપામાં અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ ૬૪ જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં મ્યુનિ. કમિશનર દ્વારા તેમને કારણદર્શક નોટિસો આપવામાં આવી છે એવું કોંગ્રેસ દ્વારા પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં તંત્રએ જણાવ્યું હતું. મનપામાં અધિકારી, કર્મચારીઓએ પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી પડે છે. જો આવક કરતાં વધારે મિલકતમાં રોકાણ હોય તો તે અંગે અધિકારીની સ્પષ્ટતા માગી શકાય. મનપા, દ્વારા ચાલુ વર્ષે ચીફ એકાઉન્ટન્ટ અમીષ શાહ, ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશી, ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સિટી ઇજનેર બીમલ દોશી, નયના ખરાડી, મુકેશ પટેલ, લાલાભાઈ પટેલ, ચીમન ખરાડી, મેડિકલ ઓફિસર ડો. કરણ દત્ત, ડો. દેવયાની શાસ્ત્રી સહિત ૬૪ જેટલા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. ગત વર્ષે મનપાના તત્કાલીન રેવન્યુ કમિટીના ચેરમેન દ્વારા ટેક્સ વિભાગમાં નાગરિકો દ્વારા જમા કરાયેલા ટેક્સ બિલના નાણાં જમા નહીં થયા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ થયેલી તપાસમાં ટેક્સ બિલના ૧૫૦થી વધુ બિલો કોર્પોરેશનમાં જમા થયા વગર અથવા ઓછા નાણાં ભરીને સીસ્ટમ સાથે ચેડા કરવા અંગેના આરોપ હેઠળ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લાંગળીયા અને યતીન્દ્ર નાયક, આસિસ્ટન્ટ મેનેજર પિયુષ ઠાકર, કૌશીક મકવાણા કોમ્પ્યુટર પ્રોગ્રામર, સલમાન મોહંમદ અબ્બાસી અને સર્વે બોય ડાહ્યાભાઇ પરમારને પણ શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કામગીરીમાં બેદરકારી બદલ પણ નોટિસ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button