સૌની યોજનાએ સૌરાષ્ટ્રને બનાવ્યું પાણીદાર: ૬.૫ લાખ એકર વિસ્તારને મળ્યો પાણીનો લાભ
નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીરથી વર્ષોથી પાણીની તંગીનો સામનો કરતાં સૌરાષ્ટ્ર – કચ્છને લાભ આપવા માટે સૌની યોજનાનો ફેબ્રુઆરી-2014માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળતો થયો છે. આ વિસ્તાર ના 11 જિલ્લાઓના 99 જળાશયો, 190 ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા છે.
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના – સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી એટલે કે 43,500 મીલીયન ઘન ફુટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવામાં આવ્યું છે, પરિણામે સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. 970 કરતા વધુ ગામોને સિંચાઈનું પાણી, 737 ગામો અને 31 શહેરોને પીવાનું પાણી પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના 8.25 લાખ એકર જેટલા વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ આપવાનું સઘન આયોજન પણ કરવામાં આવ્યું છે. જે માટે 4 લીંક પાઇપલાઈન નહેરોનું પણ આયોજન છે.
4 લીંક પાઈપ લાઈન નહેરો લીંક:
આ 4 લીંક પાઈપ લાઈન નહેરો લીંક-1 મચ્છુ-2 બંધથી સાની બંધ સુધી (૨0૮ કિ.મી.), લીંક-૨ લીંબડી-ભોગાવો-૨ બંધથી રાયડી બંધ સુધી (૨૯૯ કિ.મી.), લીંક-3- ધોળીધજા બંધથી વેણુ-૧ બંધ સુધી (૨૯૯ કિ.મી.), લીંક-૪ લીંબડી-ભોગાવો-૨ બંધથી હીરણ-૨ બંધ સુધી (૫૬૫ કિ.મી.)થી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને પાણીનો લાભ મળશે. આ યોજનાથી રાજ્યના 11 જિલ્લાઓને સિંચાઇ સુવિધાનો લાભ મળશે. રાજ્યના 31 શહેરો, 737 ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ 4 લીંક પાઈપ લાઈન નહેરો પાછળ અંદાજિત 18,563 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.
આ જિલ્લામાં મળ્યો લાભ:
આ ચારેય લીંક પાઇપલાઇન દ્વારા રાજકોટ જિલ્લાના-23, મોરબી જિલ્લાના-6, ગીર સોમનાથ જિલ્લાના-1, બોટાદ જિલ્લાના-4, જામનગર જિલ્લાના-25, જુનાગઢ જિલ્લાના-13, પોરબંદર જિલ્લાના-4, ભાવનગર જિલ્લાના-11, અમરેલી જિલ્લાના-11, દેવભુમિ દ્વારકા જિલ્લાના-11, સુરેંદ્રનગર જિલ્લાના 6 મળીને કુલ 115 જળાશયોને ભરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ‘સૌની યોજના’ અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 1320 કિમીની પાઇપલાઇન નાખવામાં આવી છે જેના થકી નર્મદાનું કુલ 1,09,911 મિલિયન ક્યુબિક ઘનફૂટ પાણી તબક્કાવાર સૌરાષ્ટ્રમાં પહોંચ્યું છે. જેમાં 99 જળાશયો, 190 ગામ તળાવો અને 1613 ચેકડેમોમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જેના થકી સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ 11 જિલ્લાઓમાં 6.5 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની અને પીવાના પાણીની વ્યવસ્થામાં વધારો થયો છે.
Also Read –