પરબટાણે કરુણાંતિકા: કડીમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરોના મોત
મહેસાણાઃ જિલ્લાના કડીના જાસલપુર ગામ નજીક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં નવ શ્રમિકો દટાયા હતા. જેમાંથી અન્ય ચાર જેટલા મજૂરો નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે
કડીમાં ગોઝારી ઘટના બનતા અફડા તફડીનો માહોલ ફેલાયો હતો. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ આવી પહોંચી છે. હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ JCBની મદદથી કરવામાં આવી રહ્યું છે.
પાંચ મજૂરના મોત:
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં દિવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે મજૂરો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતા નવ જેટલા વધુ મજૂરો દટાઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાંથી પાંચ મજૂરના મોત નિપજ્યા છે અને ચારથી વધુ મજૂરો હજુ દટાયેલા છે. જેમને JCB દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે