અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ ઈવેન્ટમાં ૧૨,૫૭૧ કરોડના ૪૮૪ એમઓયુ થયા
અમદાવાદ: શહેરમાં આયોજિત આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ એમઓયુ થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે. મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજજ બનાવવો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું. કે, જિલ્લા સ્તરે ઉદ્યોગકારો – રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશીપની ભાવનાથી વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડીંગ બેય માટે સક્ષમ મંચ મળે છે. આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજનાના લાભાર્થી, એમએસએમઈ, સ્ટાર્ટ અપ, એસએચજી, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, બી૨બી, બી૨સી, બી૨જી મીટિંગ્સ પણ યોજવામાં આવે છે.