અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ૪૮૩ તળાવ ઊંડા કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય સરકારે વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં જળસંપત્તિ અને પાણીપુરવઠા રાજ્યપ્રધાને જવાબ રજૂ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઊંડા કરવામાં આવે છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ ૨૦૨૨માં ૭૯૩.૧૩ લાખ અને વર્ષ ૨૦૨૩માં ૧૧૪૦.૪૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ૨૭૪ પંચાયતોના ૪૦૨ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૫ પંચાયતોના ૮૧ તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૮૩ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે.