રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ છલકાયા: 9 હાઇ એલર્ટ પર

ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાય ચૂક્યા છે. જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર પર રાખવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી વધુ ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
જળ સંપત્તિ વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 3,09,663 જળાશયોમાં એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
આ પણ વાંચો : અમદાવાદ મનપાને વરસાદી પાણી સંગ્રહના કામો માટે 144.32 કરોડની ફાળવણી
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં 79,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.01 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.