દેશની અદાલતોમાં ચેક બાઉન્સનાં જ અધધધ 43 લાખ કેસ પેન્ડિંગ! ગુજરાતમાં શું સ્થિતિ?

નવી દિલ્હી: ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અનેક પ્રકારનાં પડકારો રજૂ કરે છે. આ મામલે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે ડિસેમ્બરની સ્થિતિએ દેશભરની વિવિધ અદાલતોમાં 43 લાખથી વધુ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ છે. આ કેસોમાં રાજસ્થાન ટોચ પર છે, જ્યાં 6.4 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે.
ચેક બાઉન્સના કેસનાં વિલંબ માટે ઘણા કારણો
હકીકતે ચેક બાઉન્સના કેસો સામાન્ય અદાલતોમાં ચલાવવામાં આવે છે કારણ કે તે અપરાધિક પ્રકૃતિનાં હોય છે. મીડિયા રિપોર્ટનાં અહેવાલ મુજબ તાજેતરમાં 20 ડિસેમ્બરે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં જણાવ્યું હતું કે ચેક બાઉન્સના મામલામાં વિલંબ માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં વારંવાર સ્થગિત થવું, કેસોની દેખરેખ અને સુનાવણી માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને વિવિધ કેસોના નિકાલ માટે સમય મર્યાદાનાં અભાવનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કરી પહેલ
ચેક બાઉન્સના કેસોમાં થતાં વિલંબને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે 10 માર્ચ 2021ના રોજ 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ્ય આ કેસોના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાઓનો અભ્યાસ કરવાનો હતો. સમિતિએ સ્પેશિયલ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ કોર્ટ બનાવવાની ભલામણ કરી હતી. ઉપરાંત, પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…રાજ્યમાં ડુપ્લિકેટની ભરમાર બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખનું ડુપ્લિકેટ લેટરપેડ થયું વાઇરલ, જાણો વિગત
શું છે પાયલટ પ્રોજેક્ટની સ્થિતિ
વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ પાયલોટ કોર્ટ એક વર્ષ માટે ચલાવવામાં આવે. પાંચ રાજ્યોના પાંચ જિલ્લાઓમાં 25 વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. જો કે આ અદાલતોની પ્રગતિ અને તારણો અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટે આ પ્રોજેક્ટના પરિણામો મહત્વપૂર્ણ રહેશે.