મહિને ૪૦ હજારની ચા પી અને ‘અમુક’ લોકો કમલમનાં બાંધકામમાં અંગત રીતે ખીલ્યા?
રાજકોટનો આજનો ચર્ચાનો મુદ્દો ‘કમલમ કાર્યાલયના બાંધકામમાં થયેલ કથીત ભ્રષ્ટાચાર’ રહ્યો. હાલ તો સમગ્ર ગુજરાતમાં અને ઉપર સુધી આ મુદ્દો ગાજ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૬૫૦૦૦ ચોરસ ફુટના અંદાજીત બાંધકામમાં નવા શહેર પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે ૨૦૦૦ ફુટ બાંધકામમાં વધઘટ જોવા મળી છે. (એટલે કે ૬ આવાસ યોજનાના ફ્લેટ જેટલી ગણી શકાય) જોકે આજે મુકેશ દોશી એ જણાવ્યું હતું કે મારી વાત ખોટી રીતે રજુ કરવામાં આવી છે. ઉંચાઈ, લંબાઈ, પહોળાઈમાં માપણી ફેર હોઈ શકે બાકી તમામ જુના હોદ્દેદારોએ ‘નિતીથી ‘ કાર્ય કર્યુ છે. જોકે બીજી વિગત ની તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે આગળના ઘણા ખરા બીલ મંજૂર કરવામાં આવ્યા નથી.મહિને 40,000 ની ચા પીવાતી હતી જે બંધ કરી. ઉપરાંત અમુક હજમ ન થતા બિલ અટકાવી દેવામાં આવ્યા છે.તો સામાન્ય લોકોમાં એક પ્રશ્ન એ પણ છે કે જો બધાએ નીતિથી કામ કર્યું છે તો બીલ અટકાવી અને નવા હોદ્દેદારો ‘ અનીતિ’ કરી રહ્યા છે. કારણકે બિલ્ડીંગ પૂર્ણ થયે એક વર્ષથી વધારે સમય વીતી ગયો છે.બિચારા ઓછા નફે કામ કરતા વેપારી, કોન્ટ્રાકટર લોકો હેરાન ન થાય.
આમ જુઓ તો આ એક સમાચારની રીતે સૌ કોઈ જોઈ રહ્યા છે પરંતુ રાજકીય વિશ્લેષકો થોડો જુદો અર્થ પણ જોઈ શકે છે.અત્યાર સુધી કેટલા કમલમ કાર્યાલય બંધાયા? કેટલા કાર્યાલય બન્યા પછી તેની બાંધકામની ફરીથી માપણી થઈ? રાજકોટ છે તે સૌરાષ્ટ્રનું રાજકારણનું એપી સેન્ટર છે. જ્યારે કમલમ નું બાંધકામ ચાલુ હતું ત્યારે વિજયભાઈ રૂપાણી જૂથ સર્વેસરવા હતા નીતિન ભારદ્વાજ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ તથા મેયર પ્રદીપ ડવ સમગ્ર વહીવટ સંભાળતા હતા પરંતુ કમલમ શરૂ થાય તે પહેલા નીતિન ભારદ્વાજને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા ત્યાર પછી પુષ્કર પટેલ,પ્રદીપ ડવ અને કમલેશ મીરાણી સર્વેસરવા હતા. અંદાજિત 30 થી 32 કરોડ રૂપિયામાં આ કાર્યાલય બન્યું હોવાની વાત છે.
જ્યારથી એક જૂથ સત્તાથી ઉતારવામાં આવ્યુ છે.ત્યારથી અત્યારે સત્તા પર બિરાજમાન નેતાઓ તેમના ભૂતકાળના નિર્ણયોમાં ક્ષતી ગોતવામાં પડ્યા છે. એક મોટા નેતાએ ઓળખ છુપાવી પેટ છુટ્ટી વાત કરતાં જણાવ્યું હતું કે અંદર અંદરના વિખવાદો હવે સપાટી પર આવી ગયા છે. એકબીજાને પાડી દેવાના મૂડમાં એકબીજાની ક્ષતિઓ લોકો સુધી પહોંચી રહી છે. જોકે વિરોધીઓની ફાઈલ બનાવવાની કળા ભૂતકાળના શાસકો દ્વારા જ અમલમાં આવી છે. વધારામાં કૉંગ્રેસી કલ્ચર વાળા લોકો સંગઠનમાં આવતા મુળભુત સંઘની વિચારધારા ધરાવતા લોકોને અવગણી તેમને પ્રાધાન્ય મળવા લાગ્યું છે. એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે. એક સમય હતો કે પોતાની લીટી લાંબી કરવામાં પક્ષ માટે કાર્ય કરી નોંધ લેવરાવવામાં આવતી હતી.પરંતુ હવે એવું મહેનત વાળું કાર્ય કોઈને કરવું નથી.પોતાની લીટી લાંબી દેખાડવા માટે અન્યની લીટી ભૂંસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
રાજકારણમાં દૂરંદેશી ધરાવતા કેટલાક નેતાઓના કહેવા પ્રમાણે પુષ્કર પટેલ નું નામ લોકસભાની સીટ માટે ન લેવાય તે માટે ટિકિટ માટે પ્રયત્નશીલ અન્ય નેતા કઈ પણ કરી છુટવા તૈયાર છે. ખરેખર વિચારવા બેસીએ તો કશું જ સમજાય તેવું નથી પરંતુ એક વાત નક્કી છે કે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે અંગે કોણ જણાવશે?
સી આર પાટીલે તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે કહ્યું હતું કે ‘જે વ્યક્તિએ કેટલા રૂપિયા કમલમ ના નિર્માણ માટે લખાવ્યા, મોકલાવ્યા , ઉઘરાવ્યા છે તે આપી દેજો મારે ગાંધીનગર કમલમ ખાતે બોલાવવાના પડે.’ આ વાક્ય ઘણું ઘણું કહી જાય છે જો સમજાય તો.