મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને પગલે ચેપગ્રસ્ત 17માંથી 4 કાયમી દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગણાતા માંડલ ગામમાં ગત 10 જાન્યુઆરીએ રામાનંદ આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર આશરે 17 જેટલા દર્દીઓએ આંખોમાં ગંભીર ચેપ તથા જોવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. આ તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, અને અમુક મીડિયા અહેવાલો મુજબ સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 4 દર્દીઓ કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી બેસે તેવી શક્યતાઓ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પીડિતો હાલ ચાલી રહેલી સારવારનો જે રીતે પ્રતિભાવ આપે છે તેના પરથી આ આંકડો વધી પણ શકે છે.
ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર તમામ 103 દર્દીઓનું નિષ્ણાત તબીબોની ટીમે સર્વેક્ષણ કર્યું હતું. જેમાં કેટલીક વિગતો બહાર આવી હતી. જે મુજબ આ વર્ષે 1 થી 10 જાન્યુઆરી વચ્ચે હોસ્પિટલમાં આશરે 100 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ દર્દીઓમાંથી ચેપનો ભોગ બનેલા લોકોની સંખ્યા તાજેતરની માહિતી પ્રમાણે 20 છે. અગાઉ 15 જાન્યુઆરીએ 5 દર્દીઓ અને 16 જાન્યુઆરીએ વધુ 12 દર્દીઓને મેડિસિટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેટલા પણ લોકો ભાગ બન્યા છે તે તમામ માંડલ ગામની આસપાસના અમુક ગામડાઓમાંથી આવે છે, અત્યંત ગરીબ અને વૃદ્ધ દર્દીઓ છે જેઓ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મફત મોતિયાના ઓપરેશનના કેમ્પમાં સર્જરી કરાવવા માટે આવ્યા હતા.
ચેપગ્રસ્ત દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને M&J ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્થેલ્મોલોજીમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમનો કેસ જોઇ રહેલા ડિરેક્ટર ડૉ. સ્વાતિ વિજય રવાણીએ જણાવ્યું હતું કે, “મેડીકલ સાધનોની જાળવણીના અભાવને કારણે દર્દીઓને ચેપ લાગ્યો હતો. સર્જરી વખતે જે સાધનો વાપરવામાં આવ્યા તેમાંથી ઘણા બેક્ટેરિયા વાળા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે.”
ઘટનાના મીડિયા અહેવાલો પ્રકાશિત થયા બાદ હાઇકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લેવામાં આવતા તંત્ર દોડતું થયું હતું, સરકારે પ્રાથિમક તપાસ માટે કમિટીની રચના પણ કરી હતી. 9 સભ્યોની સમિતિએ હોસ્પિટલ દ્વારા જ બેદરકારી આચરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ, હજુસુધી રાજ્ય સરકાર દ્વારા પોલીસને કાર્યવાહી કરવાના આદેશ અપાયા નથી. સુઓમોટો પર આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.