થેંક્સ ટુ રોપ-વેઃ અંબાજીના દર્શન હવે લાખો લોકો કરી શકે છે

જૂનાગઢ: કુદરતની ઘણી કરામતો છે જેને જોવા માટે માણસે મહેનત કરવી પડે છે. ઘણીવાર ઊંચા પર્વતો પર માતાજીના દર્શન કરવાના હોય, તો ક્યારેક નદીઓ પાર કરી ભગવાન ભજવાના હોય, આ બધુ એક સમયે માણસ કરી લેતો પણ હવે તેને સુવિધાઓ જોઈએ છે. આ સુવિધાઓ વિકસવાથી અઘરા લાગતા સ્થળોએ પણ લોકો જઈ શક્યા છે. આમાનું એક સ્થળ છે ગુજરાતનો ગિરનાર પર્વત અને તેમાં આવેલું અંબાજી અને દત્તાત્રયનું મંદિર. હવે આ મંદિરોમાં જવુ ઘણું સરળ બની રહ્યું છે કારણ કે લોકોએ 5500 પગથિયાં નહીં પણ રોપ વેમાં જવાનું છે.
જૂનાગઢ અને સાસણના પ્રવાસે આવતા લોકો ગિરનાર ચડવાની પણ ઈચ્છા રાખતા હોય છે. અગાઉ ગિરનાર આવતા સહેલાણીઓમાંથી માત્ર જૂજ મુલાકાતીઓ ગિરનાર ચઢીને અંબાજી મંદિર પહોંચતા હતા. પરંતુ વર્ષ 2020થી ગિરનાર પર બનેલો રોપ વે પ્રોજેક્ટ ગિરનારને ફળ્યો છે. અત્યાર સુધીમાં 32 લાખ લોકો રોપ વેમાં અંબાજી માતાના દર્શને ગિરનાર પહોંચ્યા છે.
રોપ-વે શરૂ થયા બાદ નવરાત્રી, દિવાળી, ક્રિસમસ સહિતની રજાઓમાં સહેલાણીઓ ગિરનારની મુલાકાતે આવે છે. ગિરનારની મુલાકાતે આવતા સહેલાણીઓમાં સૌથી વધુ 40 ટકા લોકો મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે. કારણ છે કે મહારાષ્ટ્રના લોકોને દત્તાત્રેય ભગવાનમાં ખૂબ જ આસ્થા છે. તેના કારણે મહારાષ્ટ્રીયન લોકો મોટી સંખ્યામાં ગિરનારની મુલાકાતે આવે છે.
Also read:અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયુ, ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા
ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચવામાં પગપાળા 5500 જેટલા પગથિયાં સર કરીને અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. જોકે અંબાજી મંદિરથી બીજા 5000 જેટલા પગથિયાં પણ છે પરંતુ આ રોપવે પ્રોજેક્ટ અંબાજી મંદિર સુધીનો છે. આતી દત્તાત્રય મંદિર માટે વધારે પગથિયાં ચડવા તૈયાર રહેવું પડે છે. ગિરનાર આવતા પ્રવાસીઓમાં અંબાજી મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરે દર્શનાર્થે સહેલાણીઓ આવે છે. જેમનાથી આટલા પગથિયાં ચડી શકાતા ન હોય, મોટી ઉંમરના હોય અને અંબાજીના દર્શનની ઈચ્છા હોય તે લોકો તો રોપ વેનો ઉપયોગ કરે જ છે, પરંતુ પહાડોને ચિરીને જતા રોપ વેનો આનંદ માણનારા પ્રવાસીઓ પણ લાખોની સંખ્યામાં છે. ગુજરાતમાં પાવાગઢમાં પણ રોપ વે છે અને અહીં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. હવે ચોટીલાના ડુંગરો પર પણ રોપ વે બનાવવાનું કામ ચાલી રહ્યું છે.