સુરેન્દ્રનગરમાં અંધશ્રધ્ધાએ લીધો કુમળા બાળકનો ભોગ : ભૂવાએ ડામ દેતા 3 માસની બાળકીનું મોત

Surendranagar : 21મી સદીના વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણી ઘટનાઓ આપનું માથું નીચું કરી આપે છે, આટઆટલા વર્ષઑ પછી પણ સમાજમાં રહેલી અંધશ્રધ્ધાનું જોર એટલું જ છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના (surendranagar) જોરાવરનગરમાં બની હતી કે જ્યાં અંધશ્રધ્ધાએ કુમળી વયના બાળકનો ભોગ લીધો હતો. અહી એક શ્રમિક પરિવારની 3 મહિનાની બાળકીને બીમારીથી સાજી કરવા ભૂવાએ અગરબાતીના ડામ આપ્યા હતા. આ બાળકીની તબિયત લથડતા તેને પહેલા સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે આ સારવાર દરમિયાન આ કુમળી બાળકીનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગરના જોરાવરનગરના રેલવે ફાટક પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા એક શ્રમિક પરિવારની બાળકી બીમાર હતી. તેના માટે તેમણે પ્રાથમિક સારવાર પણ કરવી હતી પરંતુ અંતે સાજી ન થતાં તેઓ તેમની ઝુંપડપટ્ટીમાં જ રહેતા એક ભૂવા પાસે બાળકીને લાવ્યા હતા. અહી ભૂવાએ આ બાળકીના શરીરે અગરબત્તીના ડામ આપ્યા હતા.
ભૂવાએ બાળકીને ડામ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી. આથી બાળકીને પહેલા સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું અવસાન થયું હતું. જો કે આ મુદ્દે હજુ કોઈ ફરિયાદ નોંધાયા હોવાની વિગતો નથી. જોરાવરનગર પોલીસ રાજકોટ જવા રવાના થઈ હતી, શક્ય છે કે બાળકીના મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ પોલીસ કાર્યવાહી કરી શકે છે.